સારા સ્વાસ્થ્ય માટે પણ વેકેશન પર જાઓ
વેકેશન પર જવાનું કોને ન ગમે? બિનધાસ્ત હરવા-ફરવા, ખાવાપીવાથી માંડીને શૉપિંગ અને જાતને લાડ લડાવવા જેવી પ્રવૃત્તિઓથી ભરપૂર પ્રવાસનો આનંદ સ્વયં જ એક સુખદ અનુભવ છે, પરંતુ શું તમને ખબર છે કે વેકેશનની આપણા સ્વાસ્થ્ય પર પણ અનેક લાભદાયક અસરો થાય છે? તાજેતરમાં થયેલા એક નવા સંશોધન અનુસાર વેકેશન પર જવાથી માનસિક તાણ અને બ્લડપ્રેશર ઓછાં થતાં શરીર પણ નવચેતનાનો અનુભવ કરે છે. એટલું જ નહીં, શક્તિનો આ નવસંચાર માત્ર વેકેશનના દિવસો દરમ્યાન જ નહીં, પરંતુ વેકેશન પૂરું થયા પછી પણ મહિનાઓ સુધી અનુભવી શકાય છે.બ્રિટનની સૌથી મોટી હેલ્થ ઍન્ડ ટ્રાવેલિંગ એજન્સી ક્યુઓની દ્વારા સ્પૉન્સર કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આધુનિક સમયમાં કામના દબાવ અને જવાબદારીઓના ભારને પગલે એક તૃતીયાંશ કર્મચારીઓ આખા વર્ષ દરમ્યાન પોતાને મળતી રજાઓનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે પણ મળતી રજાઓનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને બને તેટલા નાના-મોટા વેકેશન પર જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સંશોધનમાં જાણવા મળ્યું કે જે કર્મચારીઓ અવારનવાર બહાર ફરવા જાય છે તેમનું બ્લડપ્રેશર ૬ ટકા નીચું રહે છે, જ્યારે જે કર્મચારીઓ આવાં વેકેશનોનો લાભ ન ઉઠાવતા રોજેરોજ ઑફિસમાં હાજરી પુરાવતા રહે છે તેમનું બ્લડપ્રેશર રજા લેતા કર્મચારીઓની સરખામણીમાં ૨ ટકા ઉપર રહે છે. એટલું જ નહીં, જે કર્મચારીઓ વેકેશનની મજા માણતા રહે છે તેમની વેકેશન દરમ્યાન અને ત્યાર બાદ ઊંઘની ગુણવત્તામાં ૧૭ ટકા સુધારો જોવા મળે છે, જ્યારે જેઓ ઘરે જ રહે છે તેમની ઊંઘની ગુણવત્તા ૧૪ ટકા વધુ બગડે છે. સાથે તાજેતરમાં જ વેકેશનની મજા માણીને આવેલા કર્મચારીઓની તાણને હૅન્ડલ કરવાની કાબેલિયત ૨૯ ટકા ઉપર જાય છે, જ્યારે પોતાનું કામ અવિરત ધોરણે ચાલુ રાખવાનું પસંદ કરનારાઓની આ કાબેલિયતમાં ૭૧ ટકા ઘટાડો જોવા મળે છે. આ સિવાય વેકેશન પર જનારા કર્મચારીઓનું ગ્લુકૉઝ લેવલ ઘટતાં તેમનો મૂડ અને એનર્જી લેવલ્સ સુધરે છે અને તેમની સામે ડાયાબિટીઝ અને મેદસ્વીપણાનું જોખમ પણ ઓછું થાય છે.























