રેલ્વે બજેટ : ભાડું વધશે નહીં, રિઝર્વેશન માટે આધાર કાર્ડ જરૂરી
માત્ર થોડા કલાકોમાં રેલ્વેનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટમાં રેલ્વે મંત્રી પવન કુમાર બંસલ સામે ભારતીય રેલ્વે પર આવેલાં સંકટ અને સામાન્ય માણસના ફાયદાના પડકારો રહેશે. રેલ્વે બજેટનાં ભાડાં વધારવાને લઈને સરકારે એક નવી તરકીબ શોધી કાઢી છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે રેલ્વે મંત્રી આ બજેટમાં રેલ્વે ભાડું વધારશે નહીં. જો કે રેલ્વે મંત્રીએ 2 મહિના પહેલાં જ 25 ટકા ભાડું વધાર્યું હતું. બજેટમાં ટિકીટના દલાલો પર અંકુશ લાગે તેવી શકયતા છે. ઉપરાંત રેલ્વે ટિકીટના રિઝર્વેશન માટે આધાર કાર્ડ જરૂરી થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. ટિકીટ પર બારકોડિંગ પણ સરકાર લાગુ કરી શકે છે. પવન બંસપ પોતાના પહેલાં રેલ્વે બજેટમાં કેટરિંગ સેવામાં સુધારો, સ્ટેશનોનો વિકાસ અને 100 નવી ટ્રેનોની જાહેરાત કરી શકે છે. બીજી તરફ ડીઝલમાં ભાવ વધારો થતાં રેલ્વે મંત્રાલય પર ભાડું વધારવાનું પણ દબાણ થઈ રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે કોંગ્રેસ હાલમાં રેલ્વેનુ ભાડું વધારવાના મૂડમાં નથી, કેમ કે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.























