રાજ્યમાં સ્વાઇન ફલૂનો કહેર જારી : મૃત્યાંક 24
ગુજરાતમાં સ્વાઇન ફલૂનો કહેર રવિવારે પણ બરકરાર રહેવા પામ્યો હતો. રવિવારના દિવસમાં વધુ ૧૭ દર્દીઓ નોંધાયો છે. આ દર્દીઓ નોંધાતા અત્યારસુધીના દર્દીઓનો આંકડો ૩૬૨ પર પહોંચ્યો છે. જો કે આ દર્દીઓમાંથી ૧૮૩ દર્દીઓને રિકવર થતાં તેમને રજા આપવામાં આવી છે. તો રવિવારે ૨૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. બાકી રહેલાં ૧૧૪ દર્દીઓમાંથી ૪૦ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
આ અંગે આરોગ્ય વિભાગના નાયબ નિયામક દિનેશ રાવલે જણાવ્યું હતું કે, આ હવામાં ફેલાતો વાયરસ છે. વર્ષમાં બે વખત તેનો પ્રભાવ વધતો હોય છે. આ આપત્તિને પહોંચી વળવા માટે આઇસોલેશન ર્વોડ, વેન્ટિલેટર તથા પથારીઓ વધારવામાં આવી છે. હાલની ક્ષમતા પપ૦ બેડની છે. પરંતુ આ રોગના ભરડામાં આવેલા દર્દીને વધુમાં વધુ દસ દિવસ સારવાર લેવાની જરૂર પડતી હોવાથી બેડની સંખ્યામાં દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૭૦ હજારથી વધુ કેપ્સ્યૂલનો મોટાપ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં માસ્ક સહિતના સાધનો પણ છે.દર્દીઓ સત્વરે સારવાર માટે આવતા થાય તે માટે જાગૃત્તિ સહિતના પગલાં સરકાર દ્રારા હાથ ધરવામાં આવ્યા છે. ૨૬માંથી આઠ જિલ્લા જ હોવાથી રાજ્ય સરકારને રાહત આ રોગનો સૌથી વધુ પ્રભાવ આઠ જિલ્લામાં વધુ છે. સૌથી વધુ રાજકોટ, જામનગર, અમરેલી, અમદાવાદ,જૂનાગઢ તથા વડોદરામાં છે. આ રોગના ભરડામાં રાજ્યના ૨૬ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓ આવ્યા નહીં હોવાથી સરકારે રાહતનો દમ લીધો છે.
























