Published On: Sun, Mar 3rd, 2013

દેશે કોંગ્રેસને કાઢી નાખવાનો નિર્ણય કરી લીધો છે: મોદી

Share This
Tags

આગામી લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ મોટી ભૂમિકા આપવામાં આવશે, તેવી ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી, પરંતુ મોદી અંગે ભાજપનાં કાર્યકરો શું માને છે, તે લાગણીનો પડઘો શનિવાર બાદ રવિવારે પણ ઝીલાયો હતો. રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધી હતી.

સભાને સંબોધતી વખતે મુખ્યપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગઈકાલે રાજનાથસિંહ દ્વારા આપવામાં આવેલ સન્માન પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેના માટે કોઈ શબ્દ નથી. ગુજરાતનો વિજય એ કોઈ એક વ્યક્તિનો વિજય નથી પરંતુ ભાજપના લાખો કાર્યકરોનાં પરિશ્રમનો વિજય છે. આ વિજય ભાજપનો અને ભાજપની રાજકીય સમૃદ્ધિનો વિજય છે. મોદીની એક એક વાત પર તાળીઓનો ગડગડાટ સાંભળવા મળતો હતો. ગુજરાતનો વિજય કેન્દ્રીય માર્ગદર્શન અને ગુજરાતની પ્રજાનો વિજય છે. રાષ્ટ્રીય નેતૃત્વ, કાર્યકરો અને ગુજરાતની જનતાના ચરણોમાં મારું સન્માન અર્પીત કરું છું.

મોદીએ કહ્યું હતું કે, કાર્યકરોની નજર આજની પરિષદ છે. ક્રિકેટની કોમેન્ટ્રીની જેમ સતત તેનું કવરેજ આપવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છેકે, આ પરિષદ કેટલી મહત્વપૂર્ણ છે. ભાજપના કાર્યકરો માટે વર્તમાન સરકાર મોટા પડકાર સમાન છે. સરકારે દેશને ડૂબાડી દીધી છે.
દેશને આગળ લઈ જવાની ભાવના કોંગ્રેસમાં છે જ નહીં તે તેના ચરિત્રમાં જ નથી. ભારતની સાથે જ ઈઝરાયેલ, ચીન અને બીજા દેશો આઝાદ થયા છતાં તેઓ આપણા કરતાં આગળ નીકળી ગયા. ત્રણ દાયકા સુધી ગ્રામ પંચાયતથી સંસદ સુધી કોંગ્રેસનું જ નેતૃત્વ હતો. તેમની સામે કોઈ વિરોધ ન હતો. એક પરિવાર માટે દેશના હિતોની બલિ ચડાવવીએ કોંગ્રેસની પરંપરા રહી છે. સિતારામ કેસરીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે બધાને લાગ્યું હતું કે, હટાવી દેવાયા. એક પરિવારનાં હિતને સાચવવા માટે આમ કરવામાં આવ્યું હતું. બહુમત મળતા એવો વડાપ્રધાન ચૂંટવામાં આવ્યો, જેની પાસેથી બધું કરાવી શકાય. તેમને ‘નાઈટવોચમેન’ વડાપ્રધાન નિમ્યા. એમને હતું નહીં કે આ રાત આટલી લાંબી થશે એટલે વધુ એક ‘નાઈટવોચમેન’ની નિમણૂંક કરવામાં આવી.
પ્રણવ મુખર્જી જમીન સાથે જોડાયેલ વ્યક્તિ હતા, તેઓ સમસ્યાને ઓળખવામાં અને તેનો ઉકેલ લાવવાનો અનુભવ ધરાવતા. મુખર્જી સફળ ન થઈ જાય તે માટે તેમને હટાવી દેવાયા હતા. કોંગ્રેસે આંતરિક રીતે પણ પરિવારનું અસ્તિત્વ જોખમાય નહીં, તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોંગ્રેસના મૂળમાં પણ અનેક વિકૃત્તિઓ છે. ભારતની સાર્વજનિક વ્યવસ્થામાં તેમની વિકૃત્તિઓ ઉધઈની જેમ પેસી ગઈ છે. કોંગ્રેસ જેવી વિકૃત્તિને દેશમાંથી નાબુદ કરવી હોય તો તેના માટે ભાજપના કાર્યકરોનો પરસેવો જ એકમાત્ર દવા છે. ટીવી-મીડિયા-અખબારને જોઈને ઘણી વખત આપણને નિરાશા આવે છે. ભાજપના કાર્યકરોનાં મગજમાં ભ્રમણાંઓ ફેલાવવા માટે આ કારસો કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકરો કદાચ ભ્રમિત થઈ જતા હશે પરંતુ ગુજરાતના અનુભવથી કહું છું કે, આપણે ચાલીશું તો ભલે અને ન ચાલીએ તો પણ ભલે. દેશ ચાલી નીકળ્યો છે. દેશે કોંગ્રેસને કાઢી નાખવાનો નિર્ણય કરી લીધો છે. કોંગ્રેસની જગ્યા ભરી શકે તેવા સારા લોકોને તે સ્થળે બેસાડવાના છે.

About the Author

Leave a comment

XHTML: You can use these html tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>