ટાટાની એરલાઇન્સ ક્ષેત્રે ENTRY:ગ્રાહકો સસ્તા ભાવે મુસાફરી કરશે
ટાટા ગ્રૂપ 80 વર્ષ બાદ ફરી એકવખત એરલાઇન ક્ષેત્રે પ્રવેશી રહ્યું છે. એશિયાની સૌથી મોટી સસ્તા ભાડાંની એરલાઇન્સનું સર્જન કરનાર ટોન ફર્નાન્ડિઝ ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે આતુર છે. તેઓ ભારતની અનલિસ્ટેડ કંપની ટાટા સન્સ ગ્રૂપ અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના સંબંધી સાથે મળીને ભાગીદારીમાં એરલાઈન સાહસ ચાલુ કરશે. રતન ટાટાના વારસદાર સાયરસ મિસ્ત્રીએ પદ સંભાળ્યા બાદ આ તેમનું સૌથી મોટું સાહસ મનાય છે.એર એશિયા ટાટા સન્સ સાથેના આ નવા સાહસમાં 49 ટકા હિસ્સો રાખશે. જ્યારે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ પાસે 30 ટકા હિસ્સો રહેશે. ભાટિયા ફેમિલીના અરૂણ ભાટિયાની ટેલસ્ટ્રા ટેલિસર્વિસીસ પાસે બાકીનો 21 ટકા હિસ્સો રહેશે.
























