ઓસ્ટ્રેલિયાનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં ત્રાટક્યું ‘રસ્ટી’
છેલ્લા બે દિવસથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનાં ઉત્તરપશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહેલા ચક્રવાત ‘રસ્ટી’એ દરિયાકિનારાનાં વિસ્તારોમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતે જમીન પર ત્રાટકવાનું શરૂ કરતાં કેટલાય વિસ્તારોમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે અને ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે. રસ્ટીનાં પગલે છેલ્લા બે દિવસમાં સેંકડો લોકોને રાહત શિબિરમાં ખસેડી દેવાયા છે. રસ્ટીનાં લીધે હેડલેન્ડ બંદર પર કેટેગરી 4નું અતિ જોખમી સ્થિતિનું રેડ એલર્ટ આપી દેવાયું હતું. જોકે થોડા સમય પહેલાં જ તેને ઘટાડીને 3 કરી દેવાયું છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. હાલમાં પવનો 205 કિલોમીટર પ્રતિ કલાકે વહી રહ્યા છે, પિલબારા કોસ્ટ અને પાર્ડૂ વિસ્તારમાં વરસાદ ચાલુ થઇ ગયો છે. જોકે ચક્રવાત પોર્ટ હેડલેન્ડથી દૂર જતાં તે સીધું ચક્રવાતનાં લપેટમાં નહીં આવે. હાલમાં જબરજસ્ત ચક્રવાત સાથે કેટલાય ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ ચક્રવાતની આંખ 20 માઇલની હોવાથી તેનાં આંખની લપેટમાં આવનારા વિસ્તારમાં ભારે વિનાશ વેરાય તેવી શક્યતા છે. લોકો 24 કલાકથી ઘરમાં પૂરાઇ ગયા છે. ખોરાક-પાણી સ્ટોર કરી લીધા છે. ખબર નહીં શું થશે – પુર આવે તેવી શક્યતા પણ છે.























